rangalayagati - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

રંગલયગતિ

rangalayagati

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
રંગલયગતિ
મણિલાલ દેસાઈ

ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને,

રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર પીળાંપીળાં રાઈ તણાં ફૂલ થઈને.

દૂર ક્યારડો વાલોળે લીલા ભમ્મર થઈને ચક્કર ચક્કર ઘૂમતો,

ને પાસ થોરની ટોચ ટુકડો આભ બનીને ચટાક રાતો રંગ લ્હેરમાં ચૂમતો,

બ્હાર ઊભેલો આંબો એનાં પાનપાન ઊડી જાય રે પંખીટૌંકા થઈને!

ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને.

નીક મહીં ખળખળતા જળમાં આભ પડી અમળાય,

સુરજના અસ્તવ્યસ્ત ટુકડા તરતા રેલાય,

કાંટાળા બાવળમાંથી સૂરજનાં કિરણો

જીર્ણશીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર રેલાય,

રંગરંગનાં પડ્યાં ગાબડાં સીમ મહી

ને સીમ તણા શેઢાઓ તો ખીલે રે, ફૂલે રે, ઝૂલે સવાર થઈને.

ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 113)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2