રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆજ મને છે સાદ સીમના, શેઢાના, ખેતરના;
આજ મને પડસાદ કીરના, લેલાંના, તેતરના :
ગામ તણી ભાગોળ ત્યજી હું ખેતર દિશ પગ વાળું;
ખેતરને ખૂણે આવી હું આ શું અદ્ભુત ભાળું?
ખેતર કોરે ઊભો કીધો માળો એક નિહાળું,
વાડ તણી આડશ ઊભું કો બૂતભૂત શું કાળું?
એક ચાડિયો બિહામણો છે ઊભો હાથ પસારી,
આંખે ચક્કર, અંગે છૂટી છે મુજને કંપારી;
ધક ધક છાતી ધબકે મારી ઘામ વળે છે ભારી,
મુખડે એને મોત નિહાળું ભેરવશું ભયકારી :
પોત પાંગળું થાતું જાયે મારા મનનું આછું,
પાછું જોઉં ફરીને તો પણ એ જ રૂપનું માયું :
કંઠે એને લટકી જોઉં જૂતાં કેરી માળા,
પંયે એને પથરાયા છે ભૂતપલીત ભયચાળા :
એ ચાળામાં જોઉં હું મુજ મનનો પણ કો ચાળો,
મેં પણ બાંધ્યો મારી ભીતર નેસમહીં કો માળો.
આહીં પણ શેરી ને પાદર : સીમ અને કંઈ શેઢા;
ત્યહીં તો એક પરંતુ અહીં તો ઝાઝા આંગળા વેઢા.
શેઢા પર ક્યારેક વઢાયે દાતરડાંથી ઘાસ,
અહીંનું ખડ તો રોજ વઢાયે, મૂળથી ઊખેડ ચાસ.
અહીં પંજેઠી ને ખુરપી ને કોદાળી ને કોશ;
ત્યહીં પણ અંતરભૂમિ ઉપર ખનનતણા પ્રતિઘોષ :
તૂલ અહીંનું, અન્નકણો લવ પંખી પામી જાય,
કૃપણતણી મમ રખવાળી ત્યહીં : લેશ ન કો લઈ જાય :
અહીં ગોફણ ને ગિલોલમાંથી ગોળા છૂટી જાય,
ત્યહીં મમ મન ગોળાના ઓળા અવળે મારગ ધાય :
એક ચાડિયો માનવ સર્જ્યો : પશું પંખી ભીત થાય,
મુજ સર્જિત મુજને માનવને ખાવાને ડોકાય :
ઢળતી રાતે અંધારે એ ચખથી ઓઝલ થાય.
આ માહીં બેઠો તે પળપળ દોજખ જગવી જાય!
આજે છે અંતર અકળામણ : ભાગી છોડી જાઉં?
રામ રખોપે રમતું ભમતું ખેતર ગોડી જાઉં :
સ્રોત
- પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 26)
- પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
- વર્ષ : 1964