tame jasho ne - Geet | RekhtaGujarati

તમે જશો ને...

tame jasho ne

નયન હ. દેસાઈ નયન હ. દેસાઈ
તમે જશો ને...
નયન હ. દેસાઈ

સૂના ઘરમાં ખાલી ખાલી માઢ મેડીયું ફરશે

તમે જશો ને ઉંબર પર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછીતે હોંકારાનો સૂરજ ઊગશે નહિ -

અને ઓશરીએ કલરવનાં પારેવાં ઊડશે નહિ

સમીસાંજના ધ્રુસ્કે ધ્રુસ્કે તુલસીક્યારો રડશે. - તમે જશો નેo

પીળચટ્ટા પાનેતર જેવું પછી કોઈ નહિ મલકે

પગલે પગલે ઓકળીઓના મોર પછી નહિ ટહુકે

તરફડતું એકાંત હશે ને ભણકારા ભાંભરશે. - તમે જશો નેo

ખળી, ઝાંપલી, વાડ, કૂવો, પગદંડી, ખેતર, શેઢા

બધાં તમારા સ્પર્શ વગરનાં પડી રહેશે રેઢાં

તમે ‘હતાં'-નું ઝાકળ પહેરી પડછાયાઓ ફરશે. - તમે જશો નેo

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 255)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007