khali shakuntlani angli - Geet | RekhtaGujarati

ખાલી શકુંતલાની આંગળી

khali shakuntlani angli

અનિલ જોશી અનિલ જોશી
ખાલી શકુંતલાની આંગળી
અનિલ જોશી

કેમ સખી, ચીંધવો પવંનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝંઝાના સુસવાટા પાંખમાં ભરીને ઊડું આખું ગગન મારી ઇચ્છા

વહેલી પરોઢના ઝાંખા ઉઘાડમાં ખરતાં પરભાતિયાનાં પીંછાં

ઉરમાં તે માય નહીં ઊઠતો ઉમંગ, મને આવીને કોઈ ગયું સાંભળી

કેમ સખી, ચીંધવો પવંનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

ઝૂકેલી ડાળખીનો લીલો વળાંક લઈ એવું તો મંન ભરી ગાતો

કાંઈ એવું તો વંન ભરી ગાતો,

જંગલમાં ધોધમાર વરસે ગુલમ્હોર! ક્યાંક કાગડો થઈ જાય રાતો

આજ મારી ફૂંકમાં એવો ઉમંગ સખી, સૂર થઈ ઊડી જાય વાંસળી

કેમ સખી, ચીંધવો પવંનને રે હું તો ખાલી શકુંતલાની આંગળી

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007