khaaliipo gaajshe - Geet | RekhtaGujarati

ખાલીપો ગાજશે!

khaaliipo gaajshe

જિતેન્દ્ર કા. વ્યાસ જિતેન્દ્ર કા. વ્યાસ
ખાલીપો ગાજશે!
જિતેન્દ્ર કા. વ્યાસ

દાંડી પિટાશે, ઢોલ જાશે ધડૂકી, એમાં મારો તે ખાલીપો ગાજશે!

આંખમહીં મ્હોરેલા ફળિયાને માંડવે

મલકાતી આવશે રે! જાન :

કેસરિયા સાફાની કલગી લ્હેરાશે, પછી

મારી તે દુનિયા વેરાન!

પડછાયા આપીને મારે નસીબ, તો પારકાની મેડી અજવાળશે!

દાંડી પિટાશે, ઢોલ જાશે ધડૂકી, એમાં મારો તે ખાલીપો ગાજશે!

'ઘર - ઘર'ની રમત્યું, દા' લીધા-દીધા ને ઝૂલ્યાં

વડલાની ડાળ પરે સંગ…

ફૂટી જુવાની એકસાથે, જાણે ફૂટી ગ્યા

મોરલાનાં પીંછાંના રંગ!

કુંવારા દિવસોમાં આપેલા કૉલ આજ હોળીના ભડકાથી દાઝશે!

દાંડી પિટાશે, ઢોલ જાશે ધડૂકી, એમાં મારો તે ખાલીપો ગાજશે!

વેલડું જશે ને સાથે છોગાની છાંય મહીં

મારું રૂપ જશે ચાલી,

પાદરના પાળિયા શો જોતો રહીશ - ગામ

- સીમ - બધું હુંય સાવ ખાલી.

આંધળી તે ચાકણ થઈ એકલતા આયખાને એવી તો જોર કરી બાઝશે!

દાંડી પિટાશે, ઢોલ જાશે ધડૂકી, એમાં મારો તે ખાલીપો ગાજશે!

સ્રોત

  • પુસ્તક : ભમ્મરિયું મધ (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : જિતેન્દ્ર કા. વ્યાસ
  • વર્ષ : 1982