હું તને જડ્યો...
Hu Tane Jadyo...
રમેશ પારેખ
Ramesh Parekh

મારા છ અક્ષરના નામ પછી હું ભૂલો પડ્યો હોજી
તું રસ્તે જાતાં ઊભી રહી તે તને જડ્યો હોજી
અભાવ સઘળો ખરી પડ્યાના થાય અનુભવ એવા
કોઈ તરફ પણ ગયા વિના હું બધે લાગતો વહેવા
હંસો જેવા હારબંધ આ અવસર ફળિયે આવ્યા
બેઉ નેહા સાચાં મોતીનો થાળ ભરીને લાવ્યાં
હું એક દિવસને કાંઠે એવું... તને રડ્યો હોજી
તું રસ્તે જાતાં ઊભી રહી તે તને જડ્યો હોજી
અરે, સ્પર્શનું આતુર પંખી વસ્યું લોહીની ડાળે
હવે નીડની સળીઓ નીડમાં ખાલીપો નહીં પાળે
બાવળના રહેવાસ એટલે વસંત આવી લાવ્યો
લોહીઝાણ આ ટહૂકો તારી આંગળીએ પહેરાવ્યો
પથ્થરમાં પણ અર્થ હતો કૈં રડ્યોખડ્યો હોજી
તું રસ્તે જાતાં ઊભી રહી તે તને જડ્યો હોજી



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 123)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ