chabarkhi - Geet | RekhtaGujarati

અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો

કંઈ કેટલે કાળ ફરીથી મનમાન્યાને હેરવો!

દૂર દેશથી ઊડઊડતી લ્યો આવી એક ચબરખી,

આછી એની રંગ-સુગંધી જોતાંને હું હરખી

માંહી લખ્યું કે આવી પહોંચું પાંગરતા પાનેરવો!

અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો...

નવસેરાં હૈ મીંડલાં માથે બોર ઢળકતું રાખો.

બાજુબંધ અણવટ વીંછિયાં કૈ ચણિયે ઘૂઘરી ટાંકો

ને અડવી રે’ના કેડ્ય કનકના કંદોરાને ભેરવો!

અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો...

વળગું જૈ કોટે કે પોંખું મીઠું મલકતાં ચ્હેરે?

ના ના સઈ મારે તો ઈને ફાગણની રંગલ્હેરે,

ફરફરતી ચૂંદલડીની ઝીણી ઝપટમાં ઘેરવો!

અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો...

કેમ વિતાવ્યાં માસ આવડાં મનડું વિમાસે

હવે ઘડી બે ઘડીય મુજને જુગ શી લાંબી ભાસે,

હીંચ નહીં નહીં લેત અધીરા ઉર-ધબકારા ફેરવો!

અરી ઝટપટ કોરા કેશ મહીં સઈ ચંદણ-કાંગસી ફેરવો...

(૧૯૬૦)

સ્રોત

  • પુસ્તક : છોળ (પૃષ્ઠ ક્રમાંક 38)
  • સર્જક : પ્રદ્યુમ્ન તન્ના
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 2000