khaatii re aambaliithii - Geet | RekhtaGujarati

ખાટી રે આંબલીથી

khaatii re aambaliithii

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
ખાટી રે આંબલીથી
રાજેન્દ્ર શાહ

ખાટી રે આંબલીથી કાયા મંજાણી

એને તેજને કિનારે એણે આણી રે હે...જી હે...જી.

પાંપણની પાંદડીના ઓરા તે અંતરાયે

પેલી બાજુનું કૈં જોયું,

નિજની સંગાથ જેનું મન ઘેલું મોહ્યું,

રે પરની પ્રીત્યું ના એણે જાણી રે હે...જી હે...જી.

પંડને પંપાળવામાં મોંઘેરાં ચીર કેરા

રંગ રે નિહાળ્યા ઓઘરાળા,

એને અંજાળવાને ઓછી રે તેજમાળા

ઓછાં છે જાહ્નવીનાં પાણી રે હે...જી હે...જી.

ખાટી રે આંબલીને ભીને તે સંગ, ઝાંખી

કાયાનો કાટ લીધો માંજી,

તેજને અંજન એવું રૂપ દીધું આંજી,

રે ઝળહળ દુનિયા ઝીલાણી રે હે...જી હે...જી.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 22)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ