khaarvaN kharii kharii re - Geet | RekhtaGujarati

ખારવણ ખારી ખારી

khaarvaN kharii kharii re

વિમલ અગ્રાવત વિમલ અગ્રાવત
ખારવણ ખારી ખારી
વિમલ અગ્રાવત

પગને છે પાંખો ને માથે છે બાંસિયું ને બાંસિયામાં બૂમલાંની ભારી, ભારી!

ખારવણ ખારી ખારી.

ખારવણ દરિયાનો કટકો તે ઉછળે ને ઉછળી ઉછળી ન્ને આવે કાંઠે;

ખારવો તો કાંઠાનું ભાઠોડું સાવ શીનો કટકા બટકાને તે ગાંઠે!

માંગે છે ખારવણ મનગમતા મોતી ને ખારવો દે માછલિયું મારી મારી.

ખારવણ ખારી ખારી.

હાથના હલ્લેસાથી જીવતર હંકારે ને આંખ્યુંમાં દરિયાને પાળે;

ખારવાની ફૂગ્ગીનો કેફ બધો ઉતારે એક તે તસતસતી ગાળે;

ખારવણ ઘૂઘવાતું સપનું ને ખારવાની નજરું પર બાઝેલી છારી છારી.

ખારવણ ખારી ખારી.

સ્રોત

  • પુસ્તક : કવિતા : ઑગસ્ટ – સપ્ટેમ્બર ૨૦૦૯ (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન