રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક બપોરે જતે શિયાળે જતો હતો હું જંગલમાં,
અટકી અટકી કલરવ કરતાં પંખીગણ ત્યાં તરુગણમાં;
જરા જરા ટાઢો છે વાયુ, મનગમતો તડકો મળતો,
ઝડુ કરે ચરણો ને જાણે અંતરમાં કોઈ હસતો.
જોયું નાનું ઝાડ એક એ ડોલે ને ચમકાવે પાન,
એમાં તું શું સમજ્યો અલ્યા! શાને નાચી ઊઠ્યો પ્રાણ?
આવાં ઝાડ ઘણાં યે વનમાં, આમ જ ડોલે ચમકે આમ,
જોઈ આને નાચી ઊઠે કહે કહે અલ્યા શું કામ?
જવાબ કિન્તુ એ આપે ના, કહે ચરણને ચાલો ના.
થંભ્યાં મારાં ચરણો જોયો તેજ તણો મેં ત્યાં વિસ્તાર,
ધરણી વન ને તડકાને મેં થયેલ દીઠાં એકાકાર;
સૂતો હું ધરતીને હૈયે, મુજ હૈયે આવ્યું આકાશ,
ઝાડ, છોડના સુખનો મારા અંગેઅંગે લાવ્યો પાશ.
ખરી પાંદડાં આવે માથે, પંખી કોઈક ઊડી જાય,
ધૂળ આવતી ઝીણી ઝીણી શરીર આખે એ વીંટળાય,
કાયા મારી તડકા કેરી હૂંફેથી જે હરખાય.
ધરતી મારી, નભ મારું ને વનવગડા મારા સૌ સાથ,
અહો! કેટલે દા’ડે આજે ભીડી લીધી આવી બાથ.
સ્રોત
- પુસ્તક : કુમાર : ત્રીજા દશકાના પૂર્વાર્ધનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 3)
- પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
- વર્ષ : 1998