કેસરની દાંડલીથી...
Kesar ni dandali thi
વિનોદ જોશી
Vinod Joshi
વિનોદ જોશી
Vinod Joshi
કેસરની દાંડલીથી ઢોલ રે વગાડ,
મુંને બેઠાં આજુથી નવાં નોરતાં…
આંખના ઉલાળ નથી માપમાં જરાય,
નથી કાબૂમાં કેડ્યના વળાંક,
ઓઢણીના મોર આજ ઊડ્યા છે, ઊડવા દે!
વાયરાનો કોઈ નથી વાંક;
પાછલા નકૂચેથી ડેલી ઉઘાડ
મુંને અંધારું ખૂંદવાના ઓરતા…
ચોળીને પંડ્ય થાઉં પાતળી છતાંય
નથી ઊખડતો ધીંગો વળગાડ,
ભીનું સંકેલવાનું ભૂલી હું નીકળી છું
મધરાતે પાડવાને ધાડ;
ફાનસની વાટ ભલે કરતી રંજાડ
મુંને આવડે છે એને સંકોરતાં…
સ્રોત
- પુસ્તક : રેશમી ટહુકાની રજાઈ (પૃષ્ઠ ક્રમાંક 74)
- સંપાદક : ઉત્પલ પટેલ
- પ્રકાશક : ડિવાઈન પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2023
