કેડી
kedi
સુંદરજી બેટાઈ
Sundarji Betai
સુંદરજી બેટાઈ
Sundarji Betai
જોતાં જોતાં અમને કેડી રે લાધી
વંકાતી જાય આઘી આઘી રે;
ભમતાં ભભતાં અમને કેડી રે લાધી,
જીવનની ખીણમાં ઝંખાતી રે,
એવી એવી અમને કેડી રે લાધી.
વચ્ચે વચ્ચે રે શીળા બાંધ્યા વિસામા
પંથીના થાક પરમાણી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
પરબું બેસાડી કોણે મારગના વાંકમાં
તરસ્યાંની આરત જાણી રે?
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.
માંડ્યાં સદાવ્રત કૈંક મહાવ્રતીએ,
આતમને આજ ઉજાણી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
પૂરવ – પ્રવાસી કેરી પ્રગટ પનોતી
ભાવિને ર્હેતી ઉજાસી રે;
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.
કોણ જોગી ને વળી કોણ રે સંસારી?
સહુ કોઈ મારગ – પ્રવાસી રે;
જાગી જાગીને કોઈ ભાગે છે હંસલા,
સૂતા છે કૈંક અભાગી રે;
એવી એવી અમને કેડી રે લાધી.
જીવનની જ્યોતિયે ઝંખાતી રે;
ભમતાં ભમતાં અમને કેડી રે લાધી.
સ્રોત
- પુસ્તક : સાહિત્ય પલ્લવ - ભાગ 3 (પૃષ્ઠ ક્રમાંક 112)
- સંપાદક : ઝીણાભાઈ દેસાઈ 'સ્નેહરશ્મિ', ઉમાશંકર જોશી
- પ્રકાશક : વૉરા ઍન્ડ કંપની પબ્લિશર્સ, પ્રા. લિ., મુંબઈ
- વર્ષ : 1941
