ke vaayraa vaayaa vasantnaa - Geet | RekhtaGujarati

કે વાયરા વાયા વસન્તના

ke vaayraa vaayaa vasantnaa

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
કે વાયરા વાયા વસન્તના
ઉમાશંકર જોશી

મારા પાલવને છેડલે રમતા

કે વાયરા વાયા વસન્તના.

હું ના જાણું કેમ હૈયાને ગમતા

કે વાયરા વાયા વસન્તના.

બેઠી’તી મૂંગી હું તો સ્વપ્નોની કુંજમાં,

આછો સંચાર થયો પલ્લવના પુંજમાં;

ક્યાંથી આવ્યા ભુવનભુવન ભમતા

કે વાયરા વાયા વસન્તના.

સવળ્યાં લોચન, ધસે-દિશદિશની કેડીએ.

કોની વાટ જુએ ચઢી મન-મેડીએ?

રમે રગેરગ માંહી રૂમઝૂમતા

કે વાયરા વાયા વસન્તના.

મારા હૈયાપાલવમાં ઘૂમતા

કે વાયરા વાયા વસન્તના.

સ્રોત

  • પુસ્તક : વસંતવૈભવ (પૃષ્ઠ ક્રમાંક 5)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : પરિચય ટ્રસ્ટ
  • વર્ષ : 2006