કે આજ હવે ચોમાસું બેઠું
Ke Aaj Have Chomasu Bethu
જતીન બારોટ
Jatin Barot
ઢોલ વગડાવી લાપશીના મૂકો એંધાણ,
ગોળધાણે મોઢું તે કરો એઠું
કે આજ હવે ચોમાસું બેઠું.
હવે મારી જેમ ખેતરને હાશ થશે હાશ,
અને કૂવાને ઓડકાર આવશે.
કાગળની હોડી ને અબરખની કોડી,
એવા તે દિવસો એ લાવશે.
આભ ફાટીને આજ પડ્યું હેઠું.
કે આજ હવે ચોમાસું બેઠું.
કૂવા તો ઠીક હવે બેડાંની સાથસાથ,
નમણી વહુવારુઓ ધરાશે.
બેડાં નહીં ને તું ભીંજવશે છોરીઓ,
તરસ્યા તે છોકરાઓ થાશે.
વરસે છે મઘ જેવું મેઠું.
કે આજ હવે ચોમાસું બેઠું.
સ્રોત
- પુસ્તક : કવિતા : ઑક્ટોબર – નવેમ્બર ૨૦૦૧ (પૃષ્ઠ ક્રમાંક 111)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન