kawine - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કવિને

kawine

બાદરાયણ બાદરાયણ

હૈયે તારે ઝગે દીવડો, એનાં તેજ ભલે જગ રાજે,

અમારો મારગે ભોમિયો થાજે.

આંખ અમારી ભરેલ અંધારથી, સાચી દિશા નવ ભાળે,

તેજનાં અંજન આંજતો જાજે.

દીન ને પીડિત રક્તચુસાયેલ માનવી મોતને બાઝે,

એને અમર ચેતના પાજે.

જોતાં અચેતન જીરણ તેહના હાથ દોડી તું સ્હાજે,

એની ટેકણલાકડી થાજે.

દુઃખદારિદ્રયનાં ઘારણ ભેદવા તું તારી બંસરી વાજે,

કાળની આગળ આગળ ધાજે.

બોલે પ્રજાના પ્રાણ, અભિનવ બોલ તેના સૌ સ્હાજે,

એને ઉર ઘૂંટી ઘૂંટી ગાજે.

પૃથ્વીથી ઊડતો તારલાચંદ્રને આંગણે કોક દી જાજે,

જગનો થાક્યો વિસામો ખાજે.

આકાશ સાગર અદ્રિના અંકમાં જ્યાં જવું હોય ત્યાં જાજે,

ગીત તો માનવબાલનાં ગાજે.

લોભ રાખતો, થોભ રાખતો, નિત નવું નવું ગાજે,

તારાં અંતર ઠાલવી જાજે.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 393)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007