kawi chhaganapuran - Geet | RekhtaGujarati

કવિ છગનપુરાણ

kawi chhaganapuran

અનિલ જોશી અનિલ જોશી
કવિ છગનપુરાણ
અનિલ જોશી

ભરઉનાળે છગન નીકળ્યો મકાન ખોળવા નાનું રે...

ખાંખાંખોળાં કરતાં કરતાં હાથમાં આવ્યું છાણું રે

ઓનરશિપમાં આભ મળ્યું ને લીઝ ઉપર દર્યો રે

સુકલકડી કાયાનો ભાડૂત કેટલા ઘરમાં ફર્યો રે

છગન કહે : મને નગદ સાચથી ઓછું કંઈ ના ચાલે રે

ભાડૂતી સાચકનાં કટપીસ સેન્ટર ખુલશે કાલે રે

સાચની ફેરી કરતો નીકળે ઊગતી પૂનમ રાતે રે

ચંદ્રભરેલી થાળી લઈને ભટકે માનવજાતે રે

ગીતવલૂરી ટાણે છગનો કુમિકુઠારસ પીતો રે

તાવડી ઉપર રાઈની માફક તતડે એનાં અતીતો રે

છગન-મિત્રવર્તુળ છગનને ઓબ્જેક્ટિવલી નિરખે રે

ગામ આખાનું જોણક થઈને રહ્યો છગનિયો હરખે રે

છગન કહે : હું રહ્યો ફેરિયો પગ વાળી નહીં બેસું રે

કાળમીંઢ ખડકોના વનમાં ભટકું લઈ હલેસું રે

વાટ જોઈને શબરી થાકી આંખ્યું લઈ ઉછીની રે

સહરા ઉપર ઊડતી ચકલી મૃગજળ છાંટે ભીની રે

છગન—મિત્રવર્તુળ વદે : કમઅક્કલ છે બગલો રે

ગામ આખાના ઉંબરા ભાંગે નહીં કોઈનો સગલો રે

ષષ્ઠીપૂર્તિના કોઈ પ્રસંગે છગન કહે : ‘નહીં આવું રે’

છગન માટે વેણ નાખીને પાછળથી પસ્તાવું રે?

છગન નિહરતો જાણે કોઈએ ઢીંચણિયું ધકેલ્યું રે

પૂંઠે પેટ્રોલ મૂકી કોણે કૂતરું છૂટું મેલ્યું રે?

લોક કહે : તું એડજસ્ટ થઈ જા! મળશે મોટાં માન રે

તારા પ્રોબ્લેમ સોલ્વ થશે આંગણિયે ઊભશે વાન રે

સારસ્વતોની વચ્ચે છગનો બાઘા જેવો લાગે રે

કવિતા વાંચી ઊભી પૂંછડીયે લાગ જોઈને ભાગે રે

ગુણવંતી ગુજરાતે ઊતર્યાં સારસ્વતનાં ટોળાં રે

એકબીજાનો વાહો કરતાં માથે આવ્યાં ધોળાં રે

છગન કહે : ટાવરના કાંટે ચકલી માળો બાંધે રે

વેરણછેરણ તણખલાં કિયા સગપણથી કોઈ સાંધે રે?

પાર્ષદ કલ્ચર વિકસ્યું એવું મહાદેવ રખડે રેઢા રે

લૂ ઝરતી વેળાના ખેડૂત કપાસિયે જઈ બેઠા રે

કળજગ એવો બેઠો કે ના ઓળખિચાં અપમાન રે

ગામઉધારી વધી ગઈ તો કરાવિયાં સન્માન રે

છગનકથા જે ભલા ભાવથી સાંભળશે નરનાર રે

વિફળતાના ફળની સાથે ફળસે મંગળવાર રે

સ્રોત

  • પુસ્તક : કદાચ (પૃષ્ઠ ક્રમાંક 67)
  • સર્જક : અનિલ જોશી
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1987