janmejay name bhawakne sambodhan dhribangsundaranun - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જન્મેજય નામે ભાવકને સંબોધન ધ્રિબાંગસુંદરનું

janmejay name bhawakne sambodhan dhribangsundaranun

હરીશ મીનાશ્રુ હરીશ મીનાશ્રુ
જન્મેજય નામે ભાવકને સંબોધન ધ્રિબાંગસુંદરનું
હરીશ મીનાશ્રુ

ધ્રિબાંગસુંદર એણીપેર ડોલ્યા, સુણ જન્મેજયરાય જી

ઝાકળની કાયામાં ચળકે નભની ભૂરી ઝાંય જી

અક્ષરના વનમાં આથડતાં ભૂલા પડ્યાનો લ્હાવો રે

ચણોઠડીને અડતાંવેંત લાગી ઝળહળ લ્હાય જી

ગઝલકુંવરી, રજકણ રમવા સૂની બપોરે આવો રે

વરિયાળીનું છત્ર ધરી દઉં,ઘડી ધૂપ ઘડી છાંય જી

નવરાં પડતાં બજવ્યો ઘેઘૂર ઇન્ડિપેણનો પાવો રે

સૂર અડકતાં સળ પડશે નિર્જળ કાગળની માંહ્ય જી

કરી કવિતા, સમજણ વચ્ચે કેળ કુંવારી વાવો રે

સપનાં મારાં, ખડિયે અણખૂટ સદાય રહેજો સ્હાય જી

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 177)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008