kavitaamaan chaale - Geet | RekhtaGujarati

કવિતામાં ચાલે?

kavitaamaan chaale

પવનકુમાર જૈન પવનકુમાર જૈન
કવિતામાં ચાલે?
પવનકુમાર જૈન

જોયા વિના જો રણની વાત કરો,

તો કવિતામાં ચાલે.

ભાળ્યા વિનાય મૃગજળની વાત કરો,

તો કવિતામાં ચાલે.

દાહકરમ કરતાં કરતાં દફન-કબરની વાત કરો,

તો કવિતામાં ચાલે.

પૂજો-અર્ચો મૂર્તિ, પણ અલ્લાની વાત કરો,

તો કવિતામાં ચાલે.

વાસ માત્રથી છો થથરતા, મદિરાના મદની વાત કરો,

તો કવિતામાં ચાલે.

મોઢેથી બોલ ફૂટે કિંચિત્‌, પ્રેમિકાની વાત કરો,

તો કવિતામાં ચાલે.

વનને વગડો સમજી એવું બબડો,

તો કવિતામાં ચાલે.

નવકવિતાનાં ડિમડિમ પીટી, દેવ-દેવીનાં સ્તોત્ર રચો,

તો કવિતામાં ચાલે.

છો જાત જાગી, જગને જગાડવાના ડોળ કરો,

તો કવિતામાં ચાલે.

જડ હાથ ને મૂંગી વાણી, તદપિ લેખણીની વાત કરો,

તો કવિતામાં ચાલે.

જોયા વિનાય નદી, ઝરણા કે દરિયાની વાત કરો,

તો કવિતામાં ચાલે.

વણદેખ્યા લાવાની ધગધગતી લ્હાણ કરો,

તો કવિતામાં ચાલે.

ઠાલું ઠામ અનુભવનું, પાછું, અમથું ઠલવો,

તો કવિતામાં ચાલે?

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ : ઓગસ્ટ ૨૦૦૧, (પૃષ્ઠ ક્રમાંક 20)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન