Karagar... - Geet | RekhtaGujarati

-

આવડું અમથું આયખું

એને કેવડું કારાગાર?

કો'ક તો કે' છે બ્હાર…

પથરાયો છે અતલ અસીમ વ્યોમ તણો વિસ્તાર!

અમને તો, ભૈ જનમજૂની ભીંત્યું કેરી ભાળ,

એકની ઉપર એક–અનેકો ખડક્યા મજલા–માળ!

અદ્ધર ઊંચા જાળિયામાંથી અજવાળું કૈં આછું,

સ્હેજ અડીને આંખને, વળી જાય જે પરત–પાછું!

એકની પાછળ એક દીવાલો–દેખતાં ના'વે પાર,

પણ, કો'ક તો કે છે બ્હાર...

એવડો પારાવાર કે એનો અહીં લગી અણસાર!

આદિથી જે અહીં તે જાણે કેમ, કેવું પાર?

તલખે જોવા જીવ; ને રોકે કારમાં કારાગાર!

-

આવડું અમથું આયખું,

એને કેટલાં કારાગાર?

સ્રોત

  • પુસ્તક : કવિતા : એપ્રિલ 1982 (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ