દલપતરામ
Dalpatram
ચંપાંબા ચીત ચાહીને, નિરખો સાસર વેલ;
લાયક વસંત લાવેલ, ઓઢો ચળકતી ચુંદડી;
ચુંદડી છે ચોખા હીરની, વણકર ડાહ્યે વણેલ,
રંગરેજે રંગેલ, ઓઢો ચળકતી ચુંદડી.
ચુંદડીમાં બહુ ચિત્ર છે, ભભકાદાર છે ભાત;
જોવા ઇચ્છે જન જાત, ઓઢો ચળકતી ચુંદડી;
ચુંદડી તો ચારે મુલકમાં, પ્રથવી પર છે પ્રખ્યાત;
વેદ વરણવે છે વાત, ઓઢો ચળકતી ચુંદડી.
જેમાં બુટ્ટા જરિયાનના, ઝગમગ ઝગમગ થાય;
દેખી દીલ હરખાય, ઓઢો ચળકતી ચુંદડી;
મ્હેકે છે પડો પાનડી, સોરંભ સારી પસરાય;
ભમરા તેથી લોભાય, ઓઢો ચળકતી ચુંદડી.
ચીતરનારે તે ચુંદડીમાં, ચીતરી છે રાશિ બાર;
અમરવેલ આકાર, ઓઢો ચળકતી ચુંદડી;
ચીતર્યા સૂરજ ને ચંદ્રમાં, ચીતર્યા પુષ્પ અપાર;
મનહર ચુંદડી મોઝાર, ઓઢો ચળકતી ચુંદડી.
સોનૈયા સવા લાખનું, ગણતાં મૂલ ગણાય;
એતો અનુમાન થાય, ઓઢો ચળકતી ચુંદડી;
સદગુણ ચુંદડીના સર્વથા, જીભે ઉચર્યા ન જાય;
લખતાં પણ ન લખાય, ઓઢી ચળકતી ચુંદડી.
છબીલી ચુંદડીના છેડલા, મેલો ઢળકતા ચાર;
શોભે સરસ શણગાર, ઓઢો ચળકતી ચુંદડી;
ચુંદડીવાળી ચતુરાં તને, આપે આયુષ્ય અપાર;
જગતમાં જગકરતાર, ઓઢો ચળકતી ચુંદડી.
ચુંદડી સાથે છે ચળકતા, સારા શોળે શણગાર;
હીરા મોતીના હાર, ઓઢો ચળકતી ચુંદડી;
ઘુઘરવટનો છે ઘાઘરો, ઘુઘરીનો ઘમકાર,
ઝાંઝરનો ઝમકાર, ઓઢો ચળકતી ચુંદડી.
સુફળ મનોરથ સર્વદા, તારા થાજો તમામ;
કરજો પરમારથ કામ, ઓઢો ચળકતી ચુંદડી;
ઉરથી આશિષ એટલી, દે છે દલપતરામ,
પ્રભુને કરીને પ્રણામ, ઓઢો ચળકતી ચુંદડી.
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 140)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
