કાનુડો
Kanudo
હસિત બૂચ
Hasit Buch
હસિત બૂચ
Hasit Buch
મને કાનુડો યાદ કેમ આવે? –
ગોકુળ આખું જાણી ગયું!
એનો પાવો કાં રાત-દિ' સતાવે?-
એ લોક બધું જાણી ગયું!
મારે ઓઢણિયે મોરલા ટાંક્યા;
એ લાજ તજી ગ્હેંક્યા કરે!
ભાવ હૈયાના લાખ મેં ઢાંક્યા;
રે, શ્વાસ તોય મ્હેંક્યા કરે!
ક્હાન આવો કાં કેર વરતાવે?-
એ ગામ વાત જાણી ગયું!
હોઠ બંનેને ચૂપ મેં રાખ્યા;
તો, મૌન મારું છલક્યા કરે!
જહીં છાતીએ આગળા નાખ્યા;
ત્યાં ચાલ મારી મલક્યા કરે!
ક્હાન આવાં કાં અમરત વરસાવે?–
એ ભેદ આભ જાણી ગયું!
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1985 (પૃષ્ઠ ક્રમાંક 7)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
