kantak pyas - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કંટક પ્યાસ

kantak pyas

સ્વપ્નસ્થ સ્વપ્નસ્થ
કંટક પ્યાસ
સ્વપ્નસ્થ

આજ શ્રાવણની રાતના ગાજે

મેઘ, આડંબર ધોર,

વીજનાં નૃત્યનાં ઝાંઝર બાજે,

નીર કરે મૃદુ શોર,

રોતા હસી ગળકી ઉઠે મોર

એવી ઉર ધૂન રમી રહી ઑર!

ચાલને મનવા ડુંગર ઊભા,

પાય ચહે છે પ્રવાસ;

પાછળ નિષ્પથ જંગલ ઊભાં,

કંટકની ઉર પ્યાસ;

હસી રહેશે લોહીના રેલા રમ્યઃ

સહાતી ન! ઝખના રે અગમ્ય!

હુડુડુડુ બારે મેઘ ગડુડે

ધણણ ધ્રૂજે ભોમ,

ડુંગરા રૂખડા કંપતા, દોડે—

નદિયું ગાજે ધધોમ,

સબાકે વીજ જલે કોટિ સોમ,

લાગી તેજ ઝાળ મારે રોમરોમ!

હજી ઘેરાજે હો મેહુલા ઘેલા

તાંડવમાં ચકચૂર,

આજે અંતર મુક્ત રોધેલાં

હસતાં ગાંડાતૂર!

આજ ભૂલી જા દૂર અદૂર

રે, હો આજ લીન સબ પ્રલયપૂર!

સ્રોત

  • પુસ્તક : અજંપાની માધુરી (પૃષ્ઠ ક્રમાંક 107)
  • સર્જક : સ્વપ્નસ્થ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1941