Kankotario Lakhati Vakhte Gavanu Geet - Geet | RekhtaGujarati

કંકોતરીઓ લખતી વખતે ગાવાનું ગીત

Kankotario Lakhati Vakhte Gavanu Geet

દલપતરામ દલપતરામ
કંકોતરીઓ લખતી વખતે ગાવાનું ગીત
દલપતરામ

સાતસેં સાંઢણિયો શણગારોરે, નીરો તેને નાગરવેલનો ચારો રે;

કાગળ કંકોતરીના લખાવો રે, સોનેરી વરખથી તે શોભાવો રે.

સ્નેહી સગાંને તેડવા કાજ રે, એક એક સાંઢણિ મોકલો આજ રે;

પ્હેલી તો સાંઢણિ પાટણ જાય રે, બેન ગંગાબાને તેડાં કરાય રે.

બેની તો પગરણમાં પ્હેલાં જોઈએ રે, બેનીનું કામ ન સરે બીજા કોઈએ રે,

બીજી તો મોકલો મુંબઈ ગામ રે, ફઇબા જમનાબાને તેડાવા કામ રે.

ત્રીજી સાંઢણલી કરી તૈયાર રે, મોકલો મથુરાં નગર મોઝાર રે;

કાકા કમળસેનને તેડી આવે રે, કાકા આવીને કુટુંબ શોભાવે રે.

ચોથી સાંઢણલી ચતુર સુજાણ રે, મોકલો સૂરત શહેર પ્રમાણ રે;

મામા નહારસિંહજી ત્યાં સોહાવે રે, મામો મોસાળાં લઈને આવે રે.

પાંચમી સાંઢણલી પચરંગી રે, જાય ઉદેપુરમાં તે ઉમંગી રે;

માસી મોંઘીબાને તેડવા માટે રે, વેગેથી મોકલો વેગળી વાટે રે.

સકુટુંબ સહુને તેડી આવે રે, સહુ આવી માંડવડો શોભાવે રે;

યાદ લખો બેસી આ ઠામ રે, સ્નેહી સગાંનું ન ભૂલશો નામ રે.

સ્નેહથી સર્વેને તેડાવો રે, આજ આવ્યો ઉત્તમ અવસર આવો રે;

ગોર ગોરાણી તેડાવો આ ઠામ રે, દ્વિજવર જોશે દલપતરામ રે.

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 142)
  • સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
  • વર્ષ : 2002