kanii - Geet | RekhtaGujarati

લોચનમાં ગઈ લાગતી કણી,

આમથી લગીર આમ વાળું તહીં

કારમી એની વાગતી અણી

પળનુંયે પણ ચેન પડે નહીં ઊમટી આવે નીર;

વ્હેણમાંયે નવ જાય વહી, અવ કેમ રે ધારું ધીર?

આવડી નાની વાત, અલી,

પણ આજ મને અકળાવતી ઘણી.

હુંય ભૂલી, કંઈ એમ સૂઝ્યું ને ઝૂલવી આંબાડાળ,

પાંદડે કોઈ લપાયેલ કીરની રહી મને નહીં ભાળ;

પાંખને તે ફરુકાવ, મીઠે ટહુકાર,

આવ્યું કંઈ આંખની ભણી.

કમલદલનું મેલતી પોતું છાલકને જલ ધોઉં,

કોઈ સરે નહીં સાર, હારી હું એકલી બેઠી રોઉં;

જીભને જાદુઈ ટેરવે અડી

કોણ મારી પીડ જાય રે હણી?

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 49)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ