કંઈ સૂઝે એવડી બૂઝ નથી તો
Kai Suze Aevdi Buz Nathi To
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla
કંઈ સૂઝે એવડી બૂઝ નથી તો
ગીતગઝલ તો ગઈએ,
જેને સૂઝતું હોય એહની
અલાબલા લઈ લઈએ,
રે ઓળઘોળ થઈ જઈએ.
ધરતીની ધૂળમાં ધરબાયા આ
અડાય એટલું અડી લઈએ અંબર,
થયા કવિ કરવત મેલાવી
પાછું ક્યાં થાવું પયગંબર,
રે થવાય એટલું થઈએ…કંઈ.
સંગ શબ્દનો બહુ બહુ તો
મહાપ્રાસ લગણ લઈ જાય,
અઘટિતઘટના ૫ટિયસી માયા
બસ શ્વાસ લગણ લઈ જાય,
રે જવાય એટલું જઈએ…કંઈ.
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
