kahene - Geet | RekhtaGujarati

કહેને...

સૈયર, તારા કિયા છૂંદણે

મોહ્યો તારો છેલ? કહેને!

સૈયર, તારી કિયા ફૂલની

લૂમીઝૂમી વેલ, કહેને?....

કૂવાને કાંઠે કઈ ઘડીએ

રહી ગઈ વાત અધૂરી?

સૈયર, તારા ઉજાગરાની

કિયા તારલે સાખું પૂરી?

કિયા વરતમાં પાંચ આંગળે

કિયો પીપળો પૂજ્યો, સૈયર?

મન ભરીને મોહે એવો

કિયો ટુચકો સૂઝ્યો, સૈયર?...

સૈયર તું તે કિયા ફૂલની

લૂમીઝુમી વેલ, કહેને?

સૈયર તારા કિયા છૂંદણે

મોહ્યો તારો છેલ, કહેને!

સ્રોત

  • પુસ્તક : તમે (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સર્જક : માધવ રામાનુજ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1986
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ