ame kaagal lakhyo'to pahelvahelo - Geet | RekhtaGujarati

અમે કાગળ લખ્યો’તો પહેલવહેલો

ame kaagal lakhyo'to pahelvahelo

મુકેશ જોશી મુકેશ જોશી
અમે કાગળ લખ્યો’તો પહેલવહેલો
મુકેશ જોશી

અમે કાગળ લખ્યો’તો પહેલવહેલો

છાનોછપનો કાગળ લખ્યો તો પહેલવહેલો

કસ્તૂરી શબ્દોને ચંદનમાં ઘોળ્યા’તા

ફાગણિયો મલક્યો જ્યાં પહેલો...છાનોછપનો

સંબોધન જાણે કે દરિયાનાં મોજાંઓ,

આવી આવીને જાય તૂટી

સંબોધન છોડીને કાગળ લખ્યો

ભલે કાગળમાં એક ચીજ ખૂટી

નામજાપ કરવાની માળા લઈ બેઠા ને, પહેલો મણકો ના ફરેલો

...છાનો છપનો

પહેલા ફકરાની પહેલી લીટી તો

અમે જાણીબૂજીને લખી ખાલી

બીજામાં પગરણ જ્યાં માંડ્યાં તો

લજ્જાએ પાંચે આંગળીઓને ઝાલી

કોરોકટ્ટાક મારો કાગળ વહી જાય, બે’ક લાગણીનાં ટીપાં તરસેલો

...છાનો છપનો

ત્રીજામાં એમ થયું લાવ લખી નાખીએ

અહીંયાં મઝામાં સહુ ઠીક છે

અંદરથી ચૂંટી ખણીને કોઈ બોલ્યું :

સાચું લખવામાં શું બીક છે

હોઠ ઉપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની, ને ચોકિયાત એક ત્યાં ઊભેલો

...છાનો છપનો

લખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતું

આંખેથી ટપક્યું રે બિંદુ

પળમાં તો કાગળ પર માય નહીં એમ

જાણે છલકેલો લાગણીનો સિંધુ

મોગરાનું ફૂલ એક મૂકીને મહેકંતા શ્વાસ સાથ કાગળ બીડેલો

...છાનો છપનો

સ્રોત

  • પુસ્તક : કાગળને પ્રથમ તિલક (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સર્જક : મુકેશ જોશી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 1999