kagal - Geet | RekhtaGujarati

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ

ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

સુખની ઘટના લખું તમોને

ત્યાં દુઃખ કલમને રોકે

દુઃખની ઘટના લખવા જાઉં

ત્યાં હૈયું હાથને રોકે

છેકાછેકી કરતાં કરતાં પૂરો થઈ ગયો કાગળ

નામ તમારું લખ્યું હજી ત્યાં આંસુ આવ્યાં આગળ...

અમે તમારાં અરમાનોને

ઉમંગથી શણગાર્યાં

અમે તમારાં સપનાંઓને

અંધારે અજવાળ્યાં

તોય તમારી ઇચ્છા મુજથી દોડે આગળ આગળ

ઝળઝળિયાંની ઝાંખપ વચ્ચે લખીએ ક્યાંથી કાગળ

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 132)
  • સર્જક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008