Jyare Aa Aayakhu Khute - Geet | RekhtaGujarati

જ્યારે આ આયખું ખૂટે

Jyare Aa Aayakhu Khute

રામનારાયણ વિ. પાઠક 'શેષ' રામનારાયણ વિ. પાઠક 'શેષ'
જ્યારે આ આયખું ખૂટે
રામનારાયણ વિ. પાઠક 'શેષ'

(પદ)

જ્યારે આ દેહમહીં દેવે

ધીરેલું આયખું ખૂટે,

જીવનનો તાંતણો તૂટે!

જેવી રીત માત નીંદરતું બાળ

ધીમેથી અંકમાં લીએ,

માસે માસે અમાસને દિન

દેવો મયંકને પીએ;

તેવી રીત ગોદમાં લેજે,

તારામાં સમાવી દેજે;

જ્યારે આ આયખું ખૂટે,

જીવનનો તાંતણો તૂટે.

જેવી રીત બાપ ખંખેરી ધૂળ

બાળકના શીશને સૂંઘે,

થાકેલું બાપને ખભે ડોક

નાખી નિરાંતે ઊંઘે;

તેમ ખંખેરી લેજે,

મને તું તેડી લેજે;

જ્યારે આ આયખું ખૂટે,

જીવનનો તાંતણો તૂટે.

જેવા મહાન કવિના બસ જરા

એક શબ્દને સ્પર્શે,

ભાવક પ્રવેશે તેને વિશ્વ

સ્વયં બસ રસને હર્ષે;

તેવો આકર્ષજે મુને,

તારે રસ વર્ષજે મુને;

જ્યારે આ આયખું ખૂટે,

જીવનનો તાંતણો તૂટે.

જેવી રીત માળી ખરેલાં પાન

ક્યારામાં વાળી લીએ

નવા અંકુર પાંગરવા કાજ

એ પાનને બાળી દીએ;

તેમ મુજ જીવનના સૌ શેષનું

કોઈને ખાતર કરજે,

કોમાં નવજીવન ભરજે,

મારો કોને લોપ ન નડશો,

મારો કોઈ શોક ન કરશો;

જ્યારે આ આયખું ખૂટે,

જીવનનો તાંતણો તૂટે.

સ્રોત

  • પુસ્તક : રા. વિ. પાઠકનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 28)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ
  • વર્ષ : 2013