kaink lilunchattak - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કૈંક લીલુંચટ્ટાક

kaink lilunchattak

રમેશ પારેખ રમેશ પારેખ
કૈંક લીલુંચટ્ટાક
રમેશ પારેખ

સુક્કો દુકાળ તારા દેશમાં છતાં

અરે, સુક્કો દુકાળ મારા દેશમાં છતાં

કૈંક લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં

કૈંક લીલુંચટ્ટાક મારી આંખમાં....

કોઈને તો ઠીક, અહીં જંગલને યાદ નથી પોતાનાં પાંદડાંની વાત

એવા દિવસોમાં જાય પાંગરતી આપણને દોમદોમ લીલી ઠકરાત

તો છલકાય બની મોગરાની મ્હેક

બની વૈયાંની ગ્હેક

બની હરણાંની ઠેક

એને રમતી મુકાયઃ કાંઈ બાંધી રખાય નહીં તોરણની જેમ બારસાખમાં

કૈંક લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં

કૈંક લીલુંચટ્ટાક મારી આંખમાં

ઉઘાડેછોગ વહે લીલુંછમ પૂરઃ એને ભોગળ નહીં કાંગરા કે દોઢી

જંગલને જોઈ જોઈ લીલુંકુંજાર કરી દેવાનું આળ લઈ ઓઢી

તોડીએ તડાક્ દઈ સુક્કો દુકાળ

પછી આપણી વચાળ

નહીં તારી પરસાળ

નહીં મારી પરસાળ

પછી વાતું મેદાન: પછી લીલોકુંજાર તપે સૂરજ ધુમ્મસતી ઝાંખમાં

કૈંકુ લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક કૈંક લીલુંચટ્ટાક તારી આંખમાં

કૈંક લીલુંચટ્ટાક મારી આંખમાં

(૧૯-૩-’૭૦,ગુરુ)

સ્રોત

  • પુસ્તક : છ અક્ષરનું નામ (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સર્જક : રમેશ પારેખ
  • પ્રકાશક : પ્રવીણ પબ્લિકેશન
  • વર્ષ : 2014
  • આવૃત્તિ : 6