રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઘોર અતીવંકી ધરતી ને વંકા પથરાયા બહુ પ્હાડ,
વિકટ અને વંકા પગરસ્તા ગીચ ખિચોખિચ જામ્યાં ઝાડ;
ઝરે ઝરણ બહુ નીરતણાં – જો ગાજે જંગલ ગીર તણાં.
ઉતાવળી ને ઉંડી નદિયૂં સઘન ઘટાથી છાઈ રહે,
કાળાંભમ્મર પાણી એનાં ધસતાં ધમધોકાર વહેઃ
ઝુક્યા તરૂવર તીર તણાં – જોo
શિયાળ સસલાં સાબર હરણાં મનગમતી સૌ મોજ કરે,
વાઘ વરૂ ચિત્તા પારાધી શિકારીયોની ફોજ ફરેઃ
જીવનસાટાં શિર તણાં – જોo
સિંહ સમા શુરવીર નરોની દુર્ગમ ધરતી શાખ પુરે,
ડુંગરની વિકરાળ કરાડૂં ઊભી મિત્રવિજોગ ઝુરે!
સ્મરી ધિંગાણાં ધીર તણાં – જોo
અજબ ખંજરી બજે ભયાનક પ્રચંડ ધોધપછાડ તણી,
ઝીલે તેના પડછંદાઓ પ્રજા અડીખમ પ્હાડ તણીઃ
ભીષણ સૂર સમીર તણા – જોo
બહુ રંગી વન વ્યાઘ્રચર્મ શાં અંગ ધરી યોગી ગિરનાર
બહુ યુગથી બેઠો દૃઢ આસન, પ્રેમભર્યા કરતો સત્કાર
સાધૂ સન્ત ફકીર તણાઃ – જોo
પુષ્પિત તરુ વનવેલ વસન્તે નદપલ્લવ ઘેઘૂર બને,
રુંઢ ખાખરા ખિલે, કેસુડે મધુકર ગુંજન છાય વને,
કલરવ કોકિલ કીરતણા – જોo
સ્વતંત્રતા ને સ્વાભાવિકતા સુંદરતા સહ રાસ રમે,
ડુંગર ડુંગર દેવ વસે, ને વિરાગિઓ અલ્મસ્ત ભમે
વિસરી જતન શરીર તણાઃ – જોo
મોટી ગોળી સરખાં માથાં ઊપર સુન્દર કૂંઢા શીંઘ,
કુંજરનાં બચ્ચાંઓ જેવી ભેંશૂંની બહુ લઈને ઘીંઘ,
નેસ વસ્યા આહીર તણાઃ – જોo
વર્ષાની ઘનઘટા ચડે નભ, ડુંગર પર વિજળી ઝબુકે,
મેઘદુન્દુભી ગડે ગગનમાં મત્ત બની મોરા ટહુકે;
ત્રાડન કેસરિ વીર તણાઃ –જોo
સ્રોત
- પુસ્તક : આપણી કવિતા સમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 10)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931