girman warsad - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગીરમાં વરસાદ

girman warsad

યોગેશ વૈદ્ય યોગેશ વૈદ્ય
ગીરમાં વરસાદ
યોગેશ વૈદ્ય

વરસે આખી પ્રથમી પર, પણ ગીરમાં મોટાં ફોરાં

બજ્યાં પખાવજ સાગપાનનાં, વનને છૂટ્યા તોરા

એકસામટી ગીરની ગાયે પૂરો પારહો મૂક્યો

પડ્યા દદૂડા પાનપાનથી, ભોંનો રંગ ભભૂક્યો

છૂટી ગયો ઝરણાંનો ભારો, વહેવા લાગ્યા વ્હોળા

હવા વૃક્ષને તેડી લઈને નાંખે ધીમા હીંચોળા

લિસ્સા ને કમનીય વળાંકો, નરી રૂપાની કાયા

ઊભા અડાબીડ જંગલ વચ્ચે નમણું ન્હાય કડાયા

પૂછડું ઝંડો કરી ઘસાતો ફરતો નર મદમાતો

સિંહ, સિંહણની રતિગંધથી ધગી જઈને રાતો

ગગન ભેદતો ગરજે એવો તૃણભક્ષીનો રિપુ

ખર્યું કેશવાળીમાં નભથી, થરથર કાંપે ટીપું

કશે ઉડાડી લઈ જાશે ફૂદાં ઓઢણી લીલી

કીડી-મકોડા ઊભર્યાં, જાણે ધરા ગોળની ભીલી

શિંગ ભેરવે સાબર, બીડમાં ચરે રોઝડાં રીંગાં

ચિત્તલ પેટે ઊજરે છે તે ચરશે જંગલ ધીંગાં

(૭-૧૦/૦ર/ર૦-ર૧)

સ્રોત

  • પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 2)
  • સર્જક : યોગેશ વૈદ્ય
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2023