બીકણ અવાજ
bikan avaj
અનિલ જોશી
Anil Joshi

હું તો ઊડતી ટીટોડીનો બીકણ અવાજ
મારાં પીછાં ખોવાઈ ગયા ભીડમાં
જંગલની ટેવ સમો મારો અવતાર છતાં ઓળખે ન કોઈ અડાબીડમાં.
મને ઓળખે ન કોઈ અડાબીડમાં.
સોનેરી પંખીનાં કલરવતાં ટોળાંઓ
પોતાનાં નીડ ભણી વળશે
સાંજ પડ્યે પોતાનાં નીડ ભણી વળશે
જંગલ આખામાં મારો માળો દેખાય નહીં
એવા તો શાપ મને મળશે
સાંજ પડ્યે એવા તો શાપ મને મળશે
પાંખો સમેટીને બેસવુંય ક્યાં? મારી જોવાતી વાટ નથી નીડમાં.
મારી છાતીનાં પાંદડાંની જાળી ઉઘાડીને
ઊડ્યું ગગન એક ભૂરું
દોડો રે ભાઈ! ઊડ્યું ગગન એક ભૂરું
પીંછાં વિનાના મારા કદરૂપા ઉડ્યનમાં
ખોવાતી જઉં અને ઝૂરું
દોડો રે ભાઈ! ખોવાતી જાઉં અને ઝૂરું
જીવતર આખ્ખુંયે મારે કરવું પસાર હવે પીંછાં ખોવાયાંની પીડમાં.



સ્રોત
- પુસ્તક : બરફનાં પંખી (પૃષ્ઠ ક્રમાંક 3)
- સર્જક : અનિલ જોશી
- પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
- વર્ષ : 1981