જુદ્ધ જુદ્ધ જુદ્ધ હવે, નથી ઉપાય બીજો
Juddh Juddh Juddh Have, Nathi Upay Bijo
નર્મદ
Narmad
નર્મદ
Narmad
જુદ્ધ જુદ્ધ જુદ્ધ હવે, નથી ઉપાય બીજો;
જુદ્ધથી જ જયના રંગ, જોઈ માની રીજો - જુદ્ધ...
જાતિ બંધને તમે ન દેશદાજ જાણી;
દાખવ્યું ન સં૫ શૌર્ય લડી ન જીત આણી - જુદ્ધ...
શત્રુ પરદેશી સામાં હાર મોટી ખાધી;
ખોયું નામ પાછું આણો ચાતુરીને સાધી - જુદ્ધ...
સીક રાજપૂતો ને ગૌડ દક્ષણી ગુજરાતી;
વીરશ્રીના રંગ જોવા બ્હાર કરો છાતી - જુદ્ધ...
પોત પોતીકા ધ્વજોના રંગ દેખડાવો;
મોહદર્પ તોડવા રણવાદ્યને વગડાવો - જુદ્ધ...
હેતુ દાસ્ય ટાળવે છે નથી જ લોભ ભૂંડો;
નક્કી પ્રભુ સહાય થશે સમય સ્હોય રૂડો - જુદ્ઘ...
સુખ સ્વતંત્રતાનું મોઘું મળે શીર સાટે;
રક્ત બલીદાન દેવું કાર્ય સિદ્ધિ માટે- જુદ્ધ...
રૂધિરથી ધરાશે ધરા પછી વાયુ વાશે;
વાધશે ઉમંગ લક્ષ જુદ્ધ દીર્ઘ થાશે - જુદ્ધ...
જો મથો રણે તમે ને સંતતિ સહુ ખંતે;
નર્મદ પુરુષાર્થ થકી વિજય થશે અંતે - જુદ્ધ...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 145)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
