joje juwan! rang jay na - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જોજે જુવાન! રંગ જાય ના

joje juwan! rang jay na

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
જોજે જુવાન! રંગ જાય ના
અવિનાશ વ્યાસ

રંગ જાય ના, જુવાન! રંગ જાય ના,

જોજે જોજે જુવાન! રંગ જાય ના.

પાટા બાંધીને પેટ ઉછેર્યો એવી ત્હારી

માવડીનું દૂધ વગોવાય ના;

જોજે જોજે જુવાન! રંગ જાય ના.

ફાગણિયો આંગણિયે રંગભર્યો નાચે,

રુધિરરંગે રમી રહ્યું જગત હોળી આજે.

હાય! ઘેર ઘેર લાગી કેવી લ્હાય આ? જોજે.

સંગ એવો રાખજે કે રંગ તારો રહી જાય,

સ્વર્ગ મહીં પૂર્વજોની આંતરડી ટાઢી થાય,

જોજે અમૃતની ખ્યાલી ઝેર પાય ના. જોજે.

એક નહિ અનેક આવે, એક નહિ અનેક,

જજો! તારી પીઠ જગત જુએ નહિ, જાય ટેક;

ઘેર તારે લંક લાગી જાય ના. જોજે.

સંતની કીધેલ પહેર ચરણ તારે પાવડી,

પાવડીથી ખસે નહિ આંગળી યે આવડી;

લપસે ના ચરણ જરી,

મરણ આવે એક વાર, આવે નહિ ફરી ફરી.

રુધિર થકી ખરડી ધરતીની ધૂળ પેલી;

જોજે! ચરણ તારો રખે અડી જાય ના. જોજે.

હસનારા ભલે હસે,

ચમક ચમક ચમકન્તી તલવારો છોને ઘસે;

રંગ એવો રાખજે, તું રંગ એવો રાખજે

કે ધોયો કોઈથી ધોવાય ના. જોજે.

સ્રોત

  • પુસ્તક : અવિનાશી અવિનાશ (પૃષ્ઠ ક્રમાંક 339)
  • સર્જક : અવિનાશ વ્યાસ
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006