jiwan anjali thajo! - Geet | RekhtaGujarati

જીવન અંજલિ થાજો!

jiwan anjali thajo!

કરસનદાસ માણેક કરસનદાસ માણેક
જીવન અંજલિ થાજો!
કરસનદાસ માણેક

જીવન અંજલિ થાજો,

મારું જીવન અંજલિ થાજો!

ભૂખ્યાં કાજે ભોજન બનજો, તરસ્યાંનું જળ થાજો;

દીનદુખિયાનાં આંસુ લ્હો'તાં અંતર કદી ધરાજો!

મારું જીવન અંજલિ થાજો!

સતની કાંટાળી કેડી પર પુષ્પ બની પથરાજો;

ઝેર જગતનાં જીરવી જીરવી અમૃત ઉરનાં પાજો!

મારું જીવન અંજલિ થાજો!

વણથાક્યા ચરણો મારા નિત તારી સમીપે ધાજો;

હૈયાના પ્રત્યેક સ્પન્દને તારું નામ રટાજો!

મારું જીવન અંજલિ થાજો!

વમળોની વચ્ચે નૈયા મુજ હાલકડોલક થાજો;

શ્રદ્ધા કેરો દીપક મારો નવ કદીયે ઓલવાજો!

મારું જીવન અંજલિ થાજો!

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 85)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007