jivatarmaan kaanii nathii - Geet | RekhtaGujarati

જીવતરમાં કાંઈ નથી

jivatarmaan kaanii nathii

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
જીવતરમાં કાંઈ નથી
હરીન્દ્ર દવે

લીંબુ–ઉછાળ જરા વેદના મળી ને

કર્યો દેકારો જીવતરમાં કાંઈ નથી;

સહેવાની સાહ્યબી નસીબે આવી

અંગ સુખના કળતરમાં કાંઈ નથી!

રસ્તો થઈને ક્યાંક અટક્યા ને

ક્યાંક થઈ અંતરાય આગળ ને આગળ,

શબ્દો થઈને અમે ઊગવા ગયા ને

કર્યું ડોકિયું તો સાવ કોરો કાગળ,

તોડવાની ત્રેવડ તો આપી નહીં ને

કર્યું ચણતર, તો ચણતરમાં કાંઈ નથી!

ભોળાં પારેવાંને નેણે અંજાય

હથેળીનો રંગ થોડો રાતો,

ભીતરમાં એક જે બુઝાયો તિખારો

થઈ સૂરજ આકાશમાં છવાતો

ક્ષણ ક્ષણને એકઠી કરીને રચ્યો અવસર

તો જોયું કે અવસરમાં કાંઈ નથી!

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 144)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ