
ટોચોમાં ટાંચણું લઈ, ભાઈ ઘડવૈયા મારે
ઠાકોરજી નથી થાવું,
ધડ ધીંગાણે જેનાં માથાં મસાણે એના
પાળિયા થઈને પૂજાવું… રે ઘડવૈયા...
હોમ હવન કે જગન જાપથી,
મારે નથી પધરાવું,
બેટડે બાપનાં મોઢાં ન ભાળ્યાં એનાં
કુમળા હાથે ખોડાવું… રે ઘડવૈયા...
પીળા પીતાંબર કે જરકશી જામા મારે
વાઘામાં નથી વીંટળાવું,
કાઢ્યા’તા રંગ જેણે ઝાઝા ધીંગાણે-એવા
સિંદૂરે ચોપડાઈ જાવું… રે ઘડવૈયા...
ગોમતીજી કે ઓલ્યાં જમનાના નથી મારે
નીર ગંગાજીમાં નાવું,
નમતી સાંજે નમણી વિજોગણનાં
ટીપા આંસુડાએ ના'વું… રે ઘડવૈયા...
બીડ્યા મંદિરિયામાં બેસવું નથી વીરા
મારે મેદાનમાં જાવું,
શૂરા શહીદોની સંગાથમાં મારે,
ખાંભી થઈને ખોડાવું… રે ઘડવૈયા...
કપટી જગતના કુડા કુડા રાગથી
ફોગટ નથી રે ફૂલાવું,
મૂડદાં બોલે એવા સિંધૂડા રાગમાં
શૂરો પૂરો સરજાવું… રે ઘડવૈયા...
મોહ ઉપજાવે એવી મૂરતિયુંમાં મારે
ચિતારા નથી ચીતરાવું,
રંગ કસુંબીના ઘૂંટ્યાં રદામાં એને
‘દાદ’ ઝાઝું રંગાવું… રે ઘડવૈયા...



સ્રોત
- પુસ્તક : ટેરવાં (પૃષ્ઠ ક્રમાંક 62)
- સર્જક : દાદુભાઈ પ્ર. ગઢવી
- પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
- વર્ષ : 2016