ghata - Geet | RekhtaGujarati

માથે લળુંબ ઝળુંબ લળુંબ ઝળુંબ સરતી સાવન ઘટા

ને તરતી તરલ છાંયમાં તળે

વચવચાળે ઊભરે પરે

તેજના ચટાપટા!

માથે લળુંબ ઝળુંબ લળુંબ ઝળુંબ સરતી સાવન ઘટા...

એટલી નીચી લોલ લળે કાંઈ એટલું ઢળતી જાતી

સાવ અડોઅડ ઊડતા બગની ચાંચ રહે ટકરાતી!

ને ચોગમ તૂટી લડ્યથી સર્યા

મોતન શા બુંદ જાય રે ઝર્યા

લળખ લળખ થતાં!

માથે લળુંબ ઝળુંબ લળુંબ ઝળુંબ સરતી સાવન ઘટા...

આજ કશું નહીં થીર કે મૂંગું, કલરવ કૂવા-કાંઠે

હાલકડોલક હેલ્યને બેડે જળ ચઢ્યાં શીય વાતે!

દૂરનાં જાંબુલ વનથી ભીનાં

લાવતાં આહીં સૂરને ઝીણા

પવન આવતાં જતાં!

માથે લળુંબ ઝળુંબ લળુંબ ઝળુંબ સરતી સાવન ઘટા...

સાંકડી આવી શેરી, વચે થઈ સરીએ તે કઈ પેરે?

એક પરે એક ઢળતા ઝરૂખ લોલુપ થઈને હેરે

અંગ ચોંટ્યાં ને ઊડતાં સખી

જળ સું ભીનાં ઓઢણ થકી

જોવન થતાં છતાં!

માથે લળુંબ ઝળુંબ લળુંબ ઝળુંબ સરતી સાવન ઘટા...

(૧૯૭૭)

સ્રોત

  • પુસ્તક : છોળ (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સર્જક : પ્રદ્યુમ્ન તન્ના
  • પ્રકાશક : પ્રસાર, ભાવનગર
  • વર્ષ : 2000