વિનોદ જોશી
Vinod Joshi
ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
કાંખમાં ગાગર મેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઉગમણી શેરીએ ડેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
પરદેશી બેઠો પ્હેલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
કોણી જાણે કેવડો, પેડું મઘમઘ થાય,
ગાગર છલકી જાય મલકે આંખ્યે માછલી;
રુમઝુમ રાણી સંચર્યાં શેરી ઝાકઝમાળ,
ડેલે દીધો સાદ ટહુકે ભાંગ્યા ટોડલા;
હભળક ઊભા થઈ ગિયા પરદેશી સુજાણ,
ખેંચ્યાં તીરકમાન ઊભી શેરી થરથરે;
શેરડીનો સાંઠો પોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
હઈડેથી નાઠો હોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
કાળજાની ગાંઠો ખોલો રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ખોલી બે ફૂલપાંખડી વળતી પળ ભિડાય,
વણબોલાયાં વેણ હાંફે હળવે છાતીએ.
આંખ્યે સોણાં ઓગળી ડબડબ હાલ્યાં જાય,
પરદેશી મૂંઝાય ઝટ જઈ ઝાલે બાવડું.
રગ રગ ઝાલર રણઝણે નખ નખ દીવા થાય,
કુંજલડી સંતાય ધસમસ ધીંગા વાદળે.
ઓચિંતી વીજળી તૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
દરિયાની આબરૂ લૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ટેરવાંની ઝંખના ખૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
કમ્મળની દાંડલી ચૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા હીંગોરા હપ્
બ્રહ્માની પાકી ડૂંટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
એમાંથી વારતા ફૂટી રે સોનબા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
ઝીંગોરા હપ્પા ઝીંગોરા હપ્
સ્રોત
- પુસ્તક : ઝાલર વાગે જૂઠડી (પૃષ્ઠ ક્રમાંક 71)
- સર્જક : વિનોદ જોશી
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2015
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ
