jhina jhina - Geet | RekhtaGujarati

ઝીણાં ઝીણાં

jhina jhina

અનિલ જોશી અનિલ જોશી
ઝીણાં ઝીણાં
અનિલ જોશી

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયા

કાયા લોટ થઈને ઊડી

માયા તોય હજી ના છૂટી

ડંખે સૂની મેડી ને સૂનાં જાળિયાં!

સૂની ડેલીને જોઈ પૂછશો કોઈ કે અવસરિયાં કેમ નથી આવતા

પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને એટલે તોરણ નથી બાંધતા

છાપરે ચડીને મારું જીવતર બોલે તો ઈને કાગડો જાણીને મા ઉડાડજો

કાયાની પૂણીમાંથી નીકળે જે તાર ઈને ખાંપણ લગીરે કોઈ પૂગાડજો

ઝીણા ઝીણા.....

એક રે સળીને ચકલી માળો માને તો ઈને રોકી શકાય નહીં

ઈરે માળામાં કોઈ ઈંડું મૂકે તો ઈને ફોડી શકાય નહીં

ઝીણા ઝીણા....

સ્રોત

  • પુસ્તક : બરફનાં પંખી (પૃષ્ઠ ક્રમાંક 25)
  • સર્જક : અનિલ જોશી
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી પ્રા. લિ.
  • વર્ષ : 1981