નર્મદ
Narmad
ઝટ ઝટ ચાલોજી-,
સમરાંગણમાંજી રંગ મચાવવાજી;
જશથી ઢળવાજી, જયને મહાલવાજી - ટેક.
હારથકી શું હઠી બેસવું, ઉપરથી વધુ સ્હેવૂં?
ભવિષ્યની સ્થિતિ નરસી માની, નિરાશ જોઈ રહેવૂં? ઝટ...
નીશો કરી શું ઊંઘ્યાં કરીશું, કહે કોડની કહાણી;
પડી રહી નિત કુટુંબમાં શું, ખોવું પુરૂષનું પાણી? ઝટ...
આપત્કાળે શોક શું કરવો? મથતા આ તે કરવૂં?
માત્ર રામને યોગ સ્મરંતા, નિરાંતથી નવ ઠરવૂં. ઝટ...
પ્રાણ જતે પણ આશ ન મુકવી, કર્મ કરી ફળ જોવૂં;
મીઠૂં કે કડવૂં તોએ પણ, શૂરાતનથી સ્હોવૂં. ઝટ...
ધર્મશૂરના વ્યાસપિતાએ, ભણ્યા તે હૃદયે છાપો;
ઉમંગ સંપે ટેકી રહીને, રણે ઘુમી જય થાપો. ઝટ...
‘શત્રૂ સન્મુખ ઉભો હણાયો, જે જન રણ અભિરામે;
સૂરજમંડળ ભેદી કરીને, ઉત્તમ પદને પામે.’ ઝટ...
‘શત્રુથી વીંટાઈ શૂરો, પડે કહાં પણ તોએ;
નપુંસક ભાષણ કરે ન મરણે, તે અક્ષયને જોયે.’ ઝટ...
‘મુદ્ગર યષ્ટિ શરે વિંધાઈ, મરે વીર જે મોતે;
તેસું ક્રિડા કરે હરી જઈ, સુરકન્યાઓ પોતે.’ ઝટ...
‘સ્વર્ગ ઇચ્છતા વિપ્ર પામતા, ધામ યજ્ઞ તપ ઘણે.
ઉત્તમ યુદ્ધે પ્રાણ આપતાં, શૂર જાય ત્યાં ક્ષણે.’ ઝટ...
‘રણમાં પડતા શૂરવીર પ્રતિ, સહસ્ર સુરકન્યા એ;
દોડી આવતી કહી એ મ્હારો, મ્હારો ભર્તા થાએ.’ ઝટ...
‘જયથી મળતી લક્ષ્મી-મરણે, સુરકન્યાઓ વરવે;
પૂર્ણ થનારૂં કર્મ સ્વલ્પમાં, રણે શી ચિન્તા મરવે.’ ઝટ...
‘સમરયજ્ઞમાં ઘા વાગેથી, રૂધિર કપાળે વ્હેતું;
મુખમાં જાય તે સોમપાન સમ, નથી દોષ કોઈ કહેતૂં.’ ઝટ...
શૂરવીર શું જુઓ તમો એ, વિચાર કીધા ગરવા;
હવે તો ઉપરા ઉપરી સાહસ, રે કેસરીયાં કરવાં. ઝટ...
ક્ષત્રી બ્રાહ્મણ વૈશ્ય શૂદ્ર, સંપ ઉમંગે ભીડો;
એક લક્ષથી રણે ઘુમો કે, હણાઈ જાએ ભીડો. ઝટ...
આપ બળ વિના વિના ધીટતા, યુક્તિવણ ન કંઈ સીઝે;
નર્મદ કહે શૂરવીર સાહસે, જય કરી લાભે રીઝે. ઝટ...
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 143)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
