Jharmar - Geet | RekhtaGujarati

ઝીણી ઝરમર વરસી !

આજ હવામાં હીરાની કંઈ કણીઓ ઝગમગ વિલસી!

એવી ઝરમર વરસી!

વેણીની વિખરેલી લટ શી લહરી ચંચલ સરકી,

તરુ-તરુમાં મૂર્છિત તરણામાં લહરાતી કયાં લટકી?

ભૂલી પડેલી સહિયરને કો લેતું હૈયા સરસી!

પતંગિયાની પાંખ સમો કૂંળો તડકો ચમકે,

મધુમય અંતર આભતણું શા અભિનવ છંદે મલકે?

કળીઓના ઘૂંઘટને ખોલી ભમતો પરાગ પ્યાસી,

વિરહિણી કો યક્ષિણી જેવી જલ ઝંખે ધરતી તરસી,

તપ્ત ધરાનાં અંગઅંગને અમરતથી ગઈ પરસી,

ઝીણી ઝરમર વરસી!

સ્રોત

  • પુસ્તક : ઝરમર (પૃષ્ઠ ક્રમાંક 9)
  • સર્જક : ઉપેન્દ્ર છ. પંડ્યા
  • પ્રકાશક : ઉત્પલ ઉપેન્દ્ર પંડ્યા
  • વર્ષ : 1988