ધમ ધમ ધરણીનો પટ ધ્રૂજે, કળી કાળ ધ્રૂજે વિકરાળ
શેષનાગ પર સૃષ્ટિ ધ્રૂજે, ધ્રૂજે દિશા તણા દિક્પાળ,
પૃથ્વીનો પલટાતો રંગ! ઝારાનૂં મયકાનેજંગ!
કચ્છ તખ્ત પર રાવ ગોડજી અડગ શૌર્યમૂર્તી સાક્ષાત,
જીવણ શેઠ દિવાન પદે ને સદી ઓગણિસની શરુવાત:
સળગી રણસંગ્રાસ—સુરંગ! ઝારાનૂંo
દિવાન પદ ન મળ્યાની ઝાળે જળતો લોહજ પૂંજો શેઠ:
ઈર્ષ્યાનો પાવક તરપતવા અઘટિત કાજે બાંધી ભેઠ:
બન્યો અવર માધવ મનભંગ! ઝારાનૂંo
વાયૂવેગે સિન્ધ સંચર્યો, શોધ્યો ગુલામશાહ સરદાર,
સાયર સમ લશકરમાં લાવ્યો સિન્ધી માડૂ સાઠ હજાર:
માતા મદઝરતા માતંગ! ઝારાનૂંo
જુદ્ધતણાં આમંત્રણ ઝીલી ઠેક્યા જાડેજા જડધાર,
કક્કલ છચ્છરના વંશજ ને કચ્છ ભોમના જાગિરદાર,
રાજભક્ત ભાયાતો સંગ: ઝારાનૂંo
વિંઝાણ ટીલે વીર લખાજી મીંઢળ બાંધ્યા જેના હાથ,
ભીમ સમો ભડવીર ભીમજી જેને શિર છે ભોળાનાથ,
નરા તણો ઠાકોર અઠંગ, ઝારાનૂંo
ફૂંકાયા રણશિંગા કેરા ઊર રણઝણતા કૈં રણકાર,
જાડેજી કુલદેવી કેરા ગગન ગાજતા જયજયકાર,
આઈ આશાપુરા અભંગ, ઝારાનૂંo
વંકા કચ્છ તણા વીરો ને વંકા થનગનતા તોખાર,
વંકા વાંકડિયા શિરપેચો, મૂછો પણ વંકી વળદાર,
વંકી કચ્છધરા પણ વ્યંગ્ય! ઝારાનૂંo
ઊંટો પર જંજાલો ચાલી ચાલી બન્દૂકો ને તોપ,
રણે ચડ્યા બ્હાદુર બખતરિયા મસ્તક ધારી ધીંગા ટોપ,
ભડક્યો ભુજિયા તણો ભુજંગ! ઝારાનૂંo
સાંઝ સમે સિન્ધી સેના અંન જળ વણ થાકે થઈ હેરાન,
કચ્છી વીર મહારથિઓનાં ઝારા ડુંગર પર મેલાણ:
ચમક્યા કાનન તણા કુરંગ: ઝારાનૂંo
વિશ્વાસૂ કચ્છી પર તોડી કૉલ ઊલટ્યા દગ્ગલબાજ
ઝાકળમાં ભાંભળકે લડતાં ‘નિજ’ ‘પર’ ભેદ ગયો સહસાજ
અસિ ચાલી ત્યાં એક સળંગ! ઝારાનૂંo
ચડાવનૉકે માંડેલી તે પ્રથમ ભડાકે ફાટી તોપ;
મચી રહ્યો ભય ને કોલાહલ, -કિસમતનો આ કેવો કોપ,
પલમાં પલટી ગયો પ્રસંગ! ઝારાનૂંo
શિર પડતાં ય સતાણી શૂરે સિન્ધીમાં વર્તાવ્યો કેર,
મસ્તક વણ મદમસ્ત ઘુમે ધડ ને ઘૂમે અવની ચોમેર!
ઝારાનો રણવીર અભંગ! ઝારાનૂંo
કૈંક પડ્યાં ધડ ચરણ ધરણિપર, કૈંક કપાતાં ઉડતા હાથ,
કૈંક રવડતાં મુંડ તુંબડાં ફરફરતા મોવાળા સાથ!
વ્યોમે વર્ષે અંગ પ્રત્યંગ! ઝારાનૂંo
ચંડી નાચે કાલી રાચે રુંઢમાળ શિવની ઊભરાય!
શિયાળ સમડા ગીધ તણી પણ હા! હા! શી ઊજાણી થાય!
રુદ્રજટામાં કંપે ગંગ! ઝારાનૂંo
શોણિતની છોળો ઊછળે ને મડદાનાં ઢગલા ખડકાય,
ભૈરવ કાળો હસે ભયાનક ખપ્પર જોગણિનાં છલકાય,
રુદ્રજટામાં કમ્પે ગંગ ઝારાનૂંo
મીર પડ્યા રણધીર પડ્યા કૈં આશાવન્ત અમીપ પડ્યા,
કો પીઠી ચોળલે અંગે સુરાંગના લગને ઊપડ્યા
ચડ્યા તજી જે નવલ પલંગ! ઝારાનૂંo
પ્હાડ પડ્યા દાતાર પડ્યા કો શૂરાના સરદાર પડ્યા,
સમરાંગણ મખકુંડ પાવકે લક્ષ માડુ બલિદાન ચડ્યા,
દીપકમાં જેમ પડે પતંગ! ઝારાનૂંo
ઝારા કેરા યુદ્ધ ઘોરનો અસ્ત થયો એ રીતે શોર,
માણસ માત્ર નિમિત્ત બને ને કુદરત પડદે ખેંચેદોર,
કચ્છિ વીર્યનો ફટક્યો રંગ! ઝારાનૂંo
[સંપાદકીય નોંધ : યુદ્ધવર્ણન, કચ્છના રાવ ગોડજી વિ. સં. ૧૮૨૭ માં ગાદીએ આવ્યા તેના સમયમાં આ યુદ્ધ થયું હતુ. કહે છે કે ૧૮૨૯ ના માગસર સુદ ૧૦ શુક્રવારે (કર્ણદેવનો હડહડતો વેરી બની જેમ માધવ દેહલી પાદશાહ અલાઉદ્દીનના લશ્કરને લઇ આવ્યો, તેમ) પૂંજો પણ દિવાન પદ ખોતાં, રાવ સાહેબ સામે સિન્ધથી ગુલામશાહ કલોડાના લશ્કરને લઈ આવ્યો. આ જ કારણ હોય, તો તે દન્તકથા માધવને વિષે નોંધે છે એટલું સબળ ન જ ગણાય, અને એટલે દરજ્જે પૂંજાનો દ્રોહ પાતકીપણામાં ચડી જાય. ઝારાની ઊંચી ધાર કચ્છની ઉત્તર સરહદ પાસે છે. વિંઝાણ ગામ અખડાસા તાલુકામાં આવેલું છે, નરા ગામ સિન્ધ અને કચ્છ વચ્ચેના રણને કાંઠે છે, નરાના ઠાકોર સતાજીના વંશના એટલે સતાણીઓ, આ પ્રસંગે નરાનો ટીલાયત ભીમજી સતાણી હતો, તેણે ઝારાના યુદ્ધમાં અદ્ભુત શુરાતન દેખાડયું, અને હજી પણ કચ્છમાં એ વીર પુરુષ વિષેની રોમાંચક કાફીઓ ગવાય છે. ઝારાના યુદ્ધને કચ્છી પ્રજા અત્યન્ત ઘોર ગણતી આવી છે; ‘ઝારો માર્યાનો કેર’, ‘ઝારાના જંગની આણ', વગેરે વેણ હજી પણ ચાલે છે. ભુજિયો કિલ્લો પાટનગર ભુજ પાસે છે, તે ખંડેર ઘણા વખતથી એક મહા-ભુજંગનું મથક મનાય છે. દર નાગપંચમીએ રાવ સાહેબની ત્યાં સ્વારી જઈને એ કહેવાતા રાફડામાં દુધના તામડા રેડી આવે છે.]
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 34)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931