નર્મદ
Narmad
ઝાંસા શા ખાવા ભાઈ, હિણપત મોટી નામરદાઈ. ટેક૦
માનભંગથી મરવૂં સારૂં, એક વાર દુઃખ મરવે;
માનભંગથી નિત્ય નિત્ય દુઃખ, આંગળી કરશે સરવે. ઝાં૦
મેળવી જસ ને મરવૂં વ્હેલૂં, ઉત્તમ નર એ ચ્હાએ;
અધમ કાયરો ઘણૂં જીવીને, અપજસમાં રીબાએ. ઝાં૦
માન સરીખૂં કલ્પવૃક્ષ કો, સંસારે નવ સ્હોએ;
સૂખ આપિને અમર રાખતૂં, ઉત્તમ અંશી જોએ. ઝાં૦
ગયૂ ધંન તે પાછૂં આવે, ગયૂં માન ના આવે;
ગયૂં માન કે ત્રણે તાપો, દુખડાં ઝાઝાં લાવે. ઝા૦
રખે મળે અપજસ કો વાતે, માટે બ્હીતા ચાલે;
શૂરવીર સાહસ કરનારા, તલવારે ને ઢાલે. ઝાં૦
ભોગજોગ એ હાર ખાય ને, મદદ ન આવે આડે;
તસકા ક્યમ સ્હેવાસે માટે, જાતે જાનો કહાડે. ઝાં૦
વિના કારણે મદે ભરાઈ, ઉપરી તસકા તોડે;
થોડિ વાર તો ખમી જવું પણ, પછી ન રહેવું જોડે. ઝાં૦
સમજાવે તે માને નહિં તો, ક્રોધ કરીને ઉઠવૂં;
વેર ધરીને શિક્ષા કરવી, સરવસ તેનૂં લુટવૂં. ઝાં૦
ભણી ગણીને ટેક રાખતાં, વળી રખાવી જાણે;
તે જન જસનૂં બીડૂં ચાવે, નર્મદ બોલ પ્રમાણે. ઝાં૦
સ્રોત
- પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 139)
- સંપાદક : રમેશ મ. શુક્લ
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
- વર્ષ : 2015
- આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ
