jhanjhar alakamalakthi - Geet | RekhtaGujarati

ઝાંઝર અલકમલકથી

jhanjhar alakamalakthi

સુન્દરમ્ સુન્દરમ્
ઝાંઝર અલકમલકથી
સુન્દરમ્

ઝાંઝર અલકમલકથી આવ્યું રે,

મને વ્હાલાએ પગમાં પહેરાવ્યું રે,

મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

એને મુખડે તે બેઠા મોરલિયા,

એને પડખે તે ચમકે ચાંદલિયા,

એને ઘૂઘરે ઘમકે તારલિયા.

મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

ઝાંઝર પહેરી પાણીડાં હું ચાલી,

મારી હરખે તે સરખી સાહેલી,

એને ઠમકારે લોકની આંખ પાણી.

મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

રાજાએ માગ્યું ઝાંઝરણું,

રાણીએ માગ્યું ઝાંઝરણું,

તોયે વહાલે દીધું મને ઝાંઝરણું.

મારું ઝમકે ઝમઝમ ઝાંઝરણું.

(૯-૯-૧૯૧)

સ્રોત

  • પુસ્તક : ઇશ (પૃષ્ઠ ક્રમાંક 103)
  • સંપાદક : રમણલાલ જોશી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધી નગર.
  • વર્ષ : 1995