jhalakkishori - Geet | RekhtaGujarati

ઝલકકિશોરી

jhalakkishori

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત

ઇન્દ્રધનુષનું ધરી ઉપરણું

ઝલકકિશોરી સાંજ રમે છે.

જ્યાંથી જાગે વિરલ તરંગો

પાછા ત્યાંના ત્યાં જ શમે છે.

આકાશી અસબાબ ગમે છે

આભાસી કિનખાબ ગમે છે.

સપનાંઓને કહી દો કે —

શણગાર કરે,

તૈયાર રહે.

સપ્ત તપ્ત ધાતુની દોલત

કેવી ખુલ્લેઆમ પડી છે.

અરસપરસની ઓથે ઓથે

વાદળીઓ બેફામ પડી છે.

રંગછટાઓ રમણી જેવી

ચંચલ કામેઠામ પડી છે.

તારલીઓને કહી દો કે —

ટમકાર કરે,

પતવાર રહે.

પલટાતી લીલા નયનોને

આછું આછું ઘેન ચડાવે,

ફોરું ફોરું, ભારે ભારે,

ઘેરું ઘેરું કંઈક સતાવે,

ભરત ભરેલી પવનલહર આ

પડદા પાડે અને હટાવે.

સુંદરતાને કહી દો કે —

ગુલઝાર કરે,

ગુલઝાર રહે :

સપનાંઓને કહી દો કે શણગાર કરે

તૈયાર રહે!

સ્રોત

  • પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 95)
  • પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
  • વર્ષ : 1964