jhajha juhar - Geet | RekhtaGujarati

ઝાઝા જુહાર

jhajha juhar

પારુલ ખખ્ખર પારુલ ખખ્ખર
ઝાઝા જુહાર
પારુલ ખખ્ખર

હવે છેલ્લી તે વાર

હજો ઝાઝા જુહાર

હવે કદીયે પાછા બોલાવજો

અમે અણસારા બણસારા છોડીએ

તમે ભણકારા બણકારા સાચવો.

પછી વેળુમાં પરપોટા વાવજો

પછી આકાશી ફૂલડાંઓ લાવજો

પછી પાણીમાં અખ્ખર કોરાવજો

પછી ઝાકળિયા દીવા પેટાવજો

અમે સથવારા બથવારા છોડીએ

તમે લવકારા બવકારા સાચવો.

પછી ગુલમોરી ડાળીને કાપજો

પછી સરવરના તળિયાને માપજો

પછી વડવાયું બાળીને તાપજો

પછી બુલબુલને દેશવટો આપજો

અમે ગરમાળા બરમાળા છોડીએ

તમે ધબકારા બબકારા સાચવો.

પછી દેખ્યાંને અણદેખ્યું કરજો

પછી કાન કદી આંખ આડા ધરજો

પછી અંધારે-અજવાળે ફરજો

પછી હૈયામાં હામ જરી ભરજો

અમે પડછાયા બડછાયા છોડીએ

તમે ઝબકારા બબકારા સાચવો.

સ્રોત

  • પુસ્તક : વિશ્વા : જૂન, ૨૦૨૪ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : શ્રદ્ધા ત્રિવેદી, લતા હિરાણી
  • પ્રકાશક : ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ