ઝાલર વાગે જૂઠડી
jhaalar vaage juuthdii
વિનોદ જોશી
Vinod Joshi
વિનોદ જોશી
Vinod Joshi
ઊભાં ગોરાંદે અધવચ ઊંબરે
જોતાં આણીપા જોતાં ઓલીકોર, ઝાલર વાગે જૂઠડી.
ઝાંખી બળે રે શગદીવડી
ઘેરી ઊભાં અંધારાં ઘનઘોર, ઝાલર વાગે જૂઠડી.
આવી આવીને ઊડ્યા કાગડા
પડ્યા સૂના મોભારા સૂના મ્હોલ, ઝાલર વાગે જૂઠડી.
હીરે જડેલી હૈયે ડાબલી
એમાં હાંફે કેદુના દીધા કૉલ, ઝાલર વાગે જૂઠડી.
નાવ્યો સંદેશો નાવ્યો નાવલો
વેરી આવ્યો વીજલડીનો વીર, ઝાલર વાગે જૂઠડી.
આંસુની ધારે સોણાં ઊતર્યાં
ઊંચા લીધાં ગોઠણ લગી ચીર, ઝાલર વાગે જૂઠડી.
ધીમે ધીમે રે નખ ઑગળ્યા
પૂગ્યાં સેંથી સમાણાં ઘોડાપૂર, ઝાલર વાગે જૂઠડી.
ડૂખ્યાં ઝાંઝર ડૂબી દામણી
તરી હાલ્યાં સોહાગનાં સિંદૂર, ઝાલર વાગે જૂઠડી.
સ્રોત
- પુસ્તક : ઝાલર વાગે જૂઠડી (પૃષ્ઠ ક્રમાંક 13)
- સર્જક : વિનોદ જોશી
- પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
- વર્ષ : 2015
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ
