જાતી'તી મધરાત
Jatiti Madhrat
સુન્દરમ્
Sundaram
સુન્દરમ્
Sundaram
એક આછેરો વીંજણો વાતી,
હળુ હળુ જાતી'તી મધરાત,
આછેરા ગીત કેરી દોરે
હળુ હળુ ગાતી’તી મધરાત.
ફૂલડાંની માળ મારી બેઠી ગૂંથતી હું તો,
દૂરને ડુંગર તારા પાવા વગાડે તું તો,
એક આછેરી હીરદોર લાવી,
ઝુલાવી હો જાતી'તી મધરાત. આછેરો વીંજણો...
પહેલી વસંત મારે પહેલી પ્રીતલડી,
તારા ગણંતી મારી જાગે આંખલડી,
એક આછેરી તારલી ચગાવી,
જગાવી હો જાતી'તી મધરાત. આછેરો વીંજણો...
મોટા હૈયાને મારે એક વાત કહેવી,
નાનેરી પ્રીત, એને મનમાં ન લેવી,
મારાં આંસુમાં આંસુ મિલાવી,
મનાવી હો જાતી'તી મધરાત. આછેરો વીંજણો...
સ્રોત
- પુસ્તક : સુન્દરમ્-સુધા (પૃષ્ઠ ક્રમાંક 90)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.- અમદાવાદ, મુંબઈ
- વર્ષ : 2004
